શિક્ષણ અને આત્મસાત [Teaching and Learning]

 


શિક્ષણ અને આત્મસાત [Teaching and Learning]:


ચાણક્ય ને યાદ કરવા કદાચ ઓલ્ડ ફેશન ગણાશે, પરંતુ યાદ કરવા જ રહ્યા!! જો આપણે શિક્ષણ ની વાત કરીએ તો !!!  મનુષ્યો ની ભરમાર માં શિક્ષણ એ તમારું અસ્ત્ર અને શસ્ત્ર છે એવું મહાત્મા ગાંધી ના આંદોલન અનુયાયી એવા નેલ્સન મંડેલા નું પણ કહેવું છે, આજ વાત  માહાત્મય ચાણક્યએ ઇસુ ના ૩૫૦ વર્ષ પહેલા સાબિત કરી બતાવ્યું. સમાન્ય રીતે જયારે શિક્ષણ ની વાત આવે ત્યારે આપણી પાસે બહુજ બધા સંદર્ભો આપવા માટે હોય છે, કેમ કે  સુજ્ઞ વાચકો સંદર્ભ વિના ના લેખો ને પચાવી શકતા નથી. કારણ કે સંદર્ભ વગર નું લખાણ લેખક નાં વાંચન ઉપર પ્રશ્નાર્થ છે. જો કે એ  વાત પણ કઇક અંશે સાચી છે. કારણ કે વાંચન એ આત્મસાત [ લર્નિંગ ] માટે નું પ્રાથમિક આચરણ છે. શિક્ષણ જગત માં રાચનારા તમામ વ્યવસાયી ઓ માટે આ લેખ નું મથાળું જરાય અજાણ્યું નથી. ભારતીય શિક્ષણ વ્યવસ્થા ની વાત કરવી મુશકેલ નહિ અતિ મુશ્કેલ છે. આપણા સમજે આત્મસાત શબ્દ નો અર્થ ગોખણપટ્ટી કર્યો છે. આવી જ રીતે તમામ શબ્દો ના અર્થો આપણે જુદા જ સમજ્યા છીએ જેમ કે શીખવવું એટલે ચોપડી માં રહેલા શબ્દો ના અર્થ કહેવા, પ્રયોગ એટલે વર્ગ ની પ્રકિયા પયોગશાળા માં કરવી. પરીક્ષા એટલે શિક્ષક દ્વારા આપેલી નોટ્સ નો ઉતારો વગેરે. સ્કૂલ કે કૉલેજ માંથી પાસ થયા પછી વિદ્યાર્થી કોરો કટ્ટ બજાર માં ઉભો રહે, જે એકપણ ક્ષેત્ર માં પારંગત હોતો નથી. અને છેવટે ભારતીય બેરોજગાર યુવાનો માં એક નામ ઉમેરાઈ જાય છે. આપણા દિગ્ગજો, શિક્ષણ શાસ્ત્રીઓ, રાજકારણીઓ વ્યવસાય અને નોકરી વચ્ચે નો ભેદ સમજવા માં ગોથું ખાય છે અને અણઘડ શિક્ષણ યોજના બનાવે છે, જેના ભોગ આપણા બાળકો બને છે. અને છેવટે નિસહાય વાલીઓ આપણી શિક્ષણ વ્યવસ્થા નો ભોગ બનેલા પોતાના પેટ જણ્યાને ડોબો ચીતરી પોતાના નસીબ ની હૈયા વરાળ ઠાલવે છે. આવું કેમ થાય છે? તેની વાત કરીએ તો શિક્ષણવિદો દ્વારા બનાવવા માં આવતા અભ્યાસક્રમો માં સાતત્ય નો સદંતર અભાવ હોય છે. શાળા ઓ સુધીના અભ્યાસક્રમો માં હજુ પણ ઘણે અંશે તાલમેળ જોવા મળે છે. પરંતુ ઉચ્ચ શિક્ષણ આપતી વિશ્વવિદ્યાલયો માં રજવાડા વાદ જોવા મળે છે. જેના પરિણામે કેટલીક કૉલેજો માં સ્કૂલ થી પણ નીચલા સ્તર નું શિક્ષણ અપાય છે. જેના થકી આપણું બાળક વ્યવસાયિકતા ની દોડ માંથી બહાર ફેંકાઈ જાય છે. સરકાર દ્વારા આ બધી અસમાનતા ને શોધી કાઢવા અને તેને દુર કરવા માટે ઘણી જ સારી સંસ્થાઓ ની રચના કરી છે, જેમ કે યુ.જી.સી. અને નેક [NAAC] જેઓ ઉચ્ચ શિક્ષણ ની યોજનાઓ બનાવે તેના માટે નાણા પણ આપે, અને આ યોજનાઓ નો અમલ થાય છે કે નહિ તે જોઈ ને ઉચ્ચ શિક્ષણ સંસ્થા નું મૂલ્યાંકન કરે અને તેને જુદા જુદા ગ્રેડ આપી તેની ગુણવત્તા નક્કી કરે છે. આ બધી જ મહેનત પાછળ નું કેન્દ્ર બિંદુ એટલે કે વિદ્યાર્થી ને કોઈ જોઈએ એટલું મહત્વ આપતું  નથી. કેમ કે સરકાર ના નાણા યોગ્ય રીતે વપરાયા છે કે નહિ તેના માટે ફક્ત ઓડિટ થયેલો હિસાબ જ જોવાય છે, નાણા દ્વારા ખરીદાયેલ સાધન વિદ્યાર્થીઓ ને ઉપયોગી છે કે નહિ ? વિદ્યાર્થીઓ દ્વારા ઉપયોગ માં લેવાય છે કે કેમ ? વગેરે બાબતો ભાગ્યેજ ચકાસાય છે. એવી જ રીતે ટીચિંગ લર્નિંગ પ્રક્રિયા માં વિદ્યાર્થી ના પરિણામો જોવાય છે. જે યુનિવર્સિટી અને કૉલેજ ની પરીક્ષા પ્રક્રિયા પર સંપૂર્ણ વિશ્વસનીયતા રાખી ને ! પરંતુ વિદ્યાર્થીઓ કયો અભ્યાસક્રમ ભણ્યા? અભ્યાસક્રમ ની ગુણવત્તા કેટલી છે? વિદ્યાર્થીઓ ની આત્મસાત કરવા ની ક્ષમતા કેટલી છે? વગેરે બાબતો ક્યારેય ધ્યાન પર લેવાતી જ નથી. યુનિવર્સિટી એ અભ્યાસક્રમ બનાવ્યો એટલે ઉચ્ચ ગુણવત્તા વાળો જ હશે આવું સાર્વત્રિક રીતે માની લેવાય છે, હા ઉચ્ચ ગુણવત્તા વાળો હોય તો વિદ્યાર્થી ના નસીબ, નહિ તો સ્નાતક પદવીધારી બેરોજગાર યુવા !!!!

મારે અહીં યુરોપ અમેરિકા ની શિક્ષણ વ્યવસ્થાની અને ગુણવત્તા ની વાત કરી ને ભારતીય બૌધિક સંપતિ ને જરાય ઓછી નથી આંકવી અને ભારતીય ભૂતકાળ ને વાગોળી ને દંભ અને અહંકાર પણ નથી કરવો. મારે સરદાર પટેલ ને યાદ કરવા છે જેને શિક્ષણ વ્યવસ્થા કેવી હોવી જોઈએ તે એક વાક્ય માં વર્ણવી દીધું હતું કે “શિક્ષણ એવું ના આપો કે જેથી યુવાનો નોકરી શોધતા લુલા પાંગળા દેખાવા લાગે”. ગાંધી – સરદાર ના નામે રાજનીતિ કરવા વાળા ઓ ને શિક્ષણ પ્રકિયા અને ગુણવત્તા માં લેશ માત્ર રસ નથી હોતો. આપણે લર્નિંગ પ્રક્રિયા ને ગંભીરતા થી લેવા માટે સતર્ક થવાની જરૂર છે.  શિક્ષણ જગત સાથે સંકળાયેલા વ્યક્તિઓ ભાગ્યેજ શિક્ષકો નો પક્ષ લઇ ને વાત કરશે અને દોષારોપણ ની હારમાળા પહેરાવશે, પરંતુ તેઓ જયારે સ્વચિંતન કરે તો ખબર પડે.. અરે! નવા વરાયેલા શિક્ષકો આપણી જ બનાવેલી પ્રથા માંથી પસાર થઇ ને આવ્યા છે, આપણે જ એમને ચકાસી ને વ્યવસ્થા માં પ્રવેશ આપ્યો છે. અને આ જ લોકો ભવિષ્ય ના શિક્ષણવિદો છે, જેમણે ક્યારેય લર્નિંગ પ્રકિયા જોઈજ નથી અને તેમાંથી પસાર પણ નથી થયા. આપણા વિદ્યાર્થીઓ ને ભણાવનારા શિક્ષકો જીવંત વ્યક્તિઓ છે એટલે જે શીખ્યા છે એજ આપશે. શિક્ષકો ને program ના કરી શકાય..હા, વાળી જરૂર શકાય.....સુધારી જરૂર શકાય, પણ ક્યારે ? તેનો જવાબ હકીકત માં કોઈનીય પાસે નથી.

અંતે....

શિક્ષક મનુષ્ય જ હોવો જોઈએ ? જો હા........ તો સમય કોણ ?

ડૉ નિકુંજ ભટ્ટ

મુખ્ય સંપાદક

98252 93238 

26 જૂન 21

 
 

Comments

Popular posts from this blog

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt

ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ

Why Are People Unhappy?