પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર

પર્યાવરણ અને પરંપરાગત ભારતીય વિજ્ઞાન : વાસ્તુશાસ્ત્ર

ભારત માનવ-સભ્યતાનું પારણું છે. જ્ઞાન-વિજ્ઞાનનો વિકાસ જ સભ્યતા અને સંસ્કૃતિના વાસ્તવિક પ્રેરક બળો સિધ્ધ થયા છે, જે આધારિત છે સતત નિરીક્ષણ, પરીક્ષણ, અસરો, તેના પરિણામો અને તેનો માનવજીવનના વિકાસ તથા પ્રગતિ માટે યોગ્ય વિનિયોગ- ઉપયોગ પર. ભારતીય મનીષીઓનો હજારો વર્ષો પ્રકૃતિ સાથે અંતરંગ સંબંધ રહ્યો છે.જેના કારણે પરંપરાગત ભારતીય વિજ્ઞાન પ્રકૃતિ સાથે એકરૂપ થઈ ને વિકાસ પામ્યુ. વાસ્તુ શબ્દ સંસ્કૃતની "વસ" ધાતુ પરથી આવ્યો છે. વસ એટલે કે વસવું અને શાસ્ત્ર એટલે વિજ્ઞાન.  આમ વાસ્તુશાસ્ત્ર એટલે વસવાટનું વિજ્ઞાન.  અન્ય મત મુજબ “વાસ્તુ  શબ્દ વસ્તુ શબ્દ માંથી નિર્મિત થયેલો છે.વસ્તુ એટલે કે જે અસ્તિત્વ ધરાવે છે. વસ્તુમાંથી ઉત્પન થયું તે વાસ્તુશાસ્ત્ર.

                 સમગ્ર બ્રહ્માંડ પાંચ તત્વો દ્વારા રચાયેલું છે. આ પાંચ તત્વો છે અગ્નિ ,  પૃથ્વી, વાયુ, જળ અને આકાશ આપણું શરીર પણ પંચમહાભૂતોથી બનેલું છે. કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનો સમાવેશ થયેલો હોય છે. પાંચ તત્ત્વો ના અસંતુલન થી વિકાર ઉત્પન થાય છે તે જ રીતે કોઈ પણ નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનું અસંતુલન તેમાં રહેનારાં લોકો માટે મુશ્કેલીઓ પેદા કરી શકે છે. નિવાસસ્થાનમાં આ પાંચ તત્વોનું ઉચિત સંતુલન તેમાં રહેનાર મનુષ્યોને સુખ, શાંતિ અને સમૃધ્ધિ પ્રદાન કરે છે. વાસ્તુશાસ્ત્રનાં નિયમો મુજબનું નિર્માણ આ પાંચ તત્વોનું સંતુલન બનાવી રાખે છે. વાસ્તુશાસ્ત્રની    

પાછળ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ છૂપાયેલો છે. તેમાં સૂર્યના કિરણો, પૃથ્વીની ગતિ, તેની ધરીનો ઝુકાવ  તેનાં ચુંબકીય ક્ષેત્ર, સમુદ્રના ગરમ-ઠંડા પ્રવાહો અને ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્માણ કરવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે-

  • જ્યા ભૂમિગત જળ-સંગ્રહ કરી શકાય તે કોણ પર સૂર્યોદય સમયના લાભદાયક કિરણો પડતા હોય છે.
  • સૂર્યોદયનો સમય સંપૂર્ણ જગતને ચેતનવંતુ બનાવી દે છે, તે  દિશાભિમુખ થઈને સવારના સમયે એકાગ્ર થઈ પૂજા- ઉપાસના કરવાથી મન-તથા શરીરનું સ્વસ્થ સંતુલન સાધી શકાય છે. 
  •  જ્યા શયનખંડ બનાવવાનું સૂચન છે તે કોણ પર સૂર્યની ઉત્તરાયણ-ગતિ સમયે, એટલે કે શિયાળો પૂરો થાય, વસંત, પછી ઉનાળાની ઋતુમાં આથમતા સૂર્યના સીધા કિરણો ના પડતા હોવાથી રાત્રિ સમયે ઠંડક અનુભવાય છે.
  • તે રીતે એ જ કોણ પર સૂર્યની દક્ષિણાયન- ગતિ સમયે, એટલે કે ઉનાળા પછી ચોમાસુ, શરદ ઋતુ, અને શિયાળા દરમિયાન આથમતા સૂર્યના કિરણોની હૂઁફ વધતી જાય છે જે શિયાળની ઠંડીમાં ખંડને રાત્રે  હૂઁફાળો રાખે છે.
  •  પૃથ્વીની પોતાની ધરી પર ફરવાની ગતિ અને તેના ઝુકાવને આધારે તે દિશા તરફ ઘરનું મુખ્ય દ્વાર નક્કી  કરાય છે.
  •  જે કોણો પર રસોડુ હોઈ શકે ત્યાં સમગ્ર વર્ષ દરમિયાન લગભગ સૂર્યના ઉગતા તથા આથમતા કિરણોનો લાભ મળતો હોય છે જે યોગ્ય પ્રકાશ- વ્યવસ્થા આપે છે. અને વાયુ અગ્નિનો સહાયક- પૂરક હોવાથી તેનો લાભ પણ લઈ શકાય છે.
  •  પૃથ્વીના કેંદ્રમાં લોહતત્ત્વનો ગોળો છે. તેના નિર્માણની, સૂર્યથી છૂટા પડી, ઠંડા થતા જવાની પ્રક્રિયા દરમિયાન તેની ફરતે જુદા- જુદા તત્ત્વોના, તેમના ઘન તથા ઋણભારને આધારે પડ, રચાયા હોવાથી  પૃથ્વીનું પોતાનુ સશક્ત ચુંબકીય ક્ષેત્ર છે. જેનો પ્રભાવ સમગ્ર સૃષ્ટિ પર પડે છે. વાસ્તુશાસ્ત્ર આ જ્ઞાનનો ઉપયોગ માનવશરીરના લાભ માટે કરે છે અને સૂતી વખતે માથું તથા પગ કઈ દિશામાં રાખવા તેનો સ્પષ્ટ દિશાનિર્દેશ આપે છે.  
  • પવનની દિશા, દિવસનાં સમયે કુદરતી અજ્વાળાનો મહત્તમ ઉપયોગ વગેરે બાબતો પર્યાવરણને ધ્યાનમાં રાખીને નક્કી કરાઈ છે.જેના આધારે વિધ્યાભ્યાસ માટે, સામાજિક મેલ-મિલાપ માટે, પારિવારિક જીવનમાં સુમેળ, સુખ, શાંતિ, સમૃધ્ધિ, વિકાસ, પ્રગતિ માટેનાં વાસ્તવિક સૂચનો અદભૂત પરિણામો આપી શકે છે.   

                            

        આપણે જીવનમાં કોઈ પણ પ્રકારની સમસ્યાઓ માટે એકસ્પર્ટની સલાહ લઈએ છે. બિમારીમાં સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર, વિવાદમાં એકસ્પર્ટ વકીલ કે કાઉંસેલર વગેરે ને ઊંચી ફી ચુકવીને તેનું નિવારણ

કરાવીએ છે. જે વિજ્ઞાનનો વ્યાવહારિક ઉપયોગ નિવાસ-સ્થાને કરવાથી સમસ્યાઓનાં મૂળ જ દૂર કરી શકાય, તે બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક વિચારીને અમલ કરવાની જરૂર છે. પર્યાવરણ આધારિત  રહેઠાણ, જીવન-શૈલી, માનસિકતા આપણાં જીવન સ્તરને વધુ સારુ બનાવી જ શકે છે જે વાસ્તુશાસ્ત્રનાં નિયમોનું અનુસરણ કરનાર અનુભવે સમજી શક્યા છે. આપણે સૌ આવનારી નવી પેઢીઓને સમૃધ્ધિનો જ નહિં,આપણાં પ્રતાપી પૂર્વજોએ આપેલો જ્ઞાનનો વારસો પણ આપીએ અને ભારતીય સંસ્કૃતિ ધરાવતા આ ઉપખંડનાં વિકાસ તથા પ્રગતિનાં ભાગીદાર બની પૂર્વજોના અમૂલ્ય વારસાનું ઋણ અદા કરીએ. શુભેચ્છાઓ સાથે.

 

ડૉ નિકુંજ ભટ્ટ 

Comments

Popular posts from this blog

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt

ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ

ત્યાગી (સંતો) નું જાહેર જીવન