ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ

 







ઉચ્ચ શિક્ષણ ની ગુણવત્તા અને નેતૃત્વ: એક અભિગમ

ઉચ્ચ શિક્ષણ ની જયારે પણ વાત નીકળે ત્યારે તેમાં સુધારા ના નામે અખતરાઓ વધુ છે. અને જ્યાં સુધી મારું માનવું છે કે ભારત માં અને ગુજરાત ના શિક્ષણ માં વિદ્યાર્થી ના લાભ ના નામ હેઠળ સુધારા ના નામે જેટલા અખતરા ઓ થયા હશે તેટલા કોઈ પણ વિકાસશીલ દેશ માં નહિ થયા હોય. અને કમનસીબે તેનો ભોગ વિદ્યાર્થી જ બને છે. આ અખતરાઓ આંગળી ના વેઢે ગણી શકાય તેમ છે, જેવા કે બારમાં ધોરણ ની પરીક્ષા પદ્ધતિ માં વારેઘડીએ ફેરફાર, કોલેજ ના CBCS માં અનેક વિસંગતતાઓ, અભ્યાસક્રમો માં વિસંગતતાઓ, RTE ના બહાના હેઠળ કોઈપણ પ્રકારની પૂર્વ તૈયારી વિના, અને ધારાધોરણ વગર નવી કોલેજો શરુ કરવાની હોડ. પશ્ચિમી દેશોની શિક્ષણ નીતિઓ નું આંધળું અનુકરણ. બેશક, સારી બાબતો સ્વીકારીને આપણે ગુણવત્તામાં સુધારો કરી શકીએ, પરંતુ ભારત માં આ સુધારો કાગળ પર કરવા માં આવે છે. તેને લગતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ સંશાધન ઉપલભ્ધ કરાવવામાં પછી ઠાગાઠૈયા હોય છે. દરેક બાબત માં ક્ષતિઓ રહી જાય છે, ઉચ્ચ શિક્ષણ નો અમલ જયારે વિદ્યાર્થી સુધી પહોચે ત્યારે તે અનેક તબ્બકાઓ માંથી પસાર થાય છે. તેના માટે જવાબદાર છે, નેતૃત્વ.!

દેશ માં કેન્દ્રીય નેતૃત્વ ની જવાબદારી છે શિક્ષણ નિતી ને બનાવવામાં અને અમલ કરાવવામાં. પરસ્થિતિ કયારે વિકટ બને? જયારે તેનો અમલ ના કરાવી શકાય અથવા તો અતિશય વિલંબ થી કરાવાય અને તે પણ અધકચરો. કારણ કે સરકારો શિક્ષિત વિદ્યાર્થી ઓ સારા નાગરિક બને તેને ઉપજ ગણતી જ નથી. સરકારો ની દૃષ્ટિ એ ઉપજ એટલે એવી વસ્તુ જેને બજાર માં વેંચી ને નફો રળી શકાય. કહેવાય છે કે “ જો કોઈ દેશ ને ખતમ કરવો હોય તો તેની શિક્ષણ પ્રણાલી ને ખતમ કરો” મોટાભાગ ના કિસ્સા માં રાજકારણીઓ  ને હકીકત માં શિક્ષણ જોડે કઈજ લેવેદેવા હોતી નથી. માટેજ શિક્ષણ ને હવે ઉદ્યોગ સાથે સરખાવાય છે [Education Industry]. સદનસીબે ભારત ની નવી શિક્ષણ નિતિ ના ઘણા મુદ્દાઓ સારા છે, પરંતુ પ્રશ્ન એ જ છે કે અમલ કેમ અને ક્યારે કરાવવો? સદનસીબે ભારત ની કેન્દ્ર ની સીધી સહાય થી ચાલતી લગભગ તમામ સંસ્થાઓ સાપેક્ષતા ની દ્રષ્ટીએ જોતા ખુબ જ સારી રીતે ચાલે છે. જેમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલયો, IIMs, IITs, NITs  અને Indian Institutes જેવી ઘણી ખુબ સરસ રીતે દેશ ના વિકાસ માં યોગદાન આપી રહી છે. તેનું મુખ્ય કારણ છે, કેન્દ્ર ની સીધી ગ્રાન્ટ અને તેનો અમલ. UGC દ્વારા અપાતું વેતન કોઈપણ કાપકૂપ વગર અધ્યાપકો સુધી પહોચે છે. એ પણ તરતજ

હવે જયારે આજ જવાબદારી રાજ્ય સરકારો પર આવે છે ત્યારે તેની પ્રાથમિકતા બદલાઈ જાય છે. UGC તરફ થી મળતી ગ્રાન્ટ ના બહાને વેતન મોડું અથવા કેટલાક ભથ્થા માં કાપકૂપ જેવી શરતો ને આધીન પરાણે વેતન પૂરું પાડે છે.એ તો ઠીક પરંતુ UGC દ્વારા ભલામણ કરેલા અભ્યાસક્રમ ને લાગુ પાડવા માં પણ અનેક અડચણો અધ્યાપકો ને ભોગવવી પડે છે. મેં અગાઉ કહ્યું તેમ કેમ જાણે? બાળકો ને સારા અને જવાબદાર નાગરિક બનાવવા માં શિક્ષક ની કોઈ ભૂમિકા જ ના હોય..?!  રાજ્ય સરકાર પાસે હમેશા ચૂંટણી આધારિત ઘણા મુદ્દાઓ હોય છે, પરંતુ આ બધામાં શિક્ષણ ને ક્યારે પ્રાથમિકતા આપવી એ એક વિકટ પ્રશ્ન બની જાય છે. કારણ કે શિક્ષકો, પ્રોફેસરો કે શિક્ષણ ને લગતી વ્યક્તિઓ ક્યારેય રાજકારણ માં સીધા કામ માં આવતા નથી એટલે તેમનું મહત્વ પણ નથી. બીજું, કેન્દ્ર જયારે કોઈ શિક્ષણ નીતિ બનાવે ત્યારે રાજ્ય સરકાર એમા ખર્ચ ને ધ્યાન માં રાખી ને પોતાના ફેરફાર કરે. કેન્દ્ર ની પૂરી ગ્રાન્ટ ના ઉપયોગ બાદ રાજય સરકાર ના ભાગે આવતી ગ્રાન્ટ માં બને તેટલી બચત કરવાની. જેથી શિક્ષણ ઉપર ખર્ચ નું પલડું ભારે થઇ જાય જેને બોજો ગણવા માં આવે છે. ખરેખર તો ઉચ્ચ સ્થાને બિરાજમાન રાજકારણી સાચા અર્થ માં રાજનૈતિક હોવા જોઈએ અને તેને શિક્ષણ ની અગત્યતા થી વાકેફ હોવા જોઈએ. પરંતુ મોટાભાગ ના કિસ્સામાં આવું બનતું નથી. શિક્ષણ બાળક ને શક્તિશાળી બનાવે છે, પણ તેને માટે શિક્ષક શક્તિશાળી હોવો જોઈએ. સરકાર નું કામ છે શિક્ષક ને શક્તિશાળી બનાવવાનું તેને યોગ્ય વાતાવરણ અને વળતર આપીને, જો શિક્ષક તનાવ માં રહેશે તો તે વિદ્યાર્થી ને પણ તનાવ જ આપશે. જેને કારણે વિદ્યાર્થી નો વિકાસ કુંઠિત રહેવા ની શક્યતાઓ વધી જાય છે. સામાન્ય રીતે રાજ્ય સરકારો નિત નવા ફેરફારો કરીને શિક્ષણ ની શાંત ધારા માં વમળો પેદા કરે છે. છેવટે તેનો ભોગ વિદ્યાર્થી જ બને છે.

વિદ્યાર્થી ને માહિતી અને તેમાંથી સર્જાતું જ્ઞાન આપવાની જવાબદારી વિશ્વ વિદ્યાલય ની છે. વિશ્વ વિદ્યાલય નો અર્થ વિદ્યાર્થીઓ અને શિક્ષકો નો સમૂહ. અહી ઉપકુલપતિ ના નેતૃત્વ ની કસોટી છે. સામાન્ય રીતે આ સ્થાને બેસનાર વ્યક્તિ વિદ્વાન હોય છે અને સરકારો તેને વિનંતી કરી ને આમંત્રિત કરે છે.પરંતુ હવે આ પરિસ્થિતિ બદલાઈ છે, ઉપકુલપતિની ભરતી થાય છે. વિશ્વ વિદ્યાલય ના ધ્યાન માં હમેશા રહેવું જોઈએ કે વિદ્યાર્થી હવે વૈશ્વિક સ્પર્ધા માં છે. તેને અનુરૂપ UGC દ્વારા સૂચિત અભ્યાસક્રમો ચુસ્તપણે લાગુ પાડી, વિદ્યાર્થી નું યોગ્ય મૂલ્યાંકન કરી ને સક્ષમ બનાવવાના હોય.

શિક્ષણ ને તમામ વિદ્યાર્થીઓ સુધી પહોચાડવાનું કામ છે સ્થાનિક નેતૃત્વ નું, આ લેખક જ્યાં પ્રોફેસર છે! તે સંસ્થા ચરોતર ના ખેડૂતો એ પોતાનું રક્ત સીંચી ને ઉપજાઉ બનાવેલી જમીન વિના સંકોચે, વિના મુલ્યે બાળકો ને સ્થાનિક કક્ષાએ શિક્ષણ મળે તે હેતુ થી સરદાર સાહેબ અને ભાઈકાકા ના ચરણે ધરી દીધી. આ સંસ્થા એટલે ચરોતર ની વિઠ્ઠલભાઈ પટેલ વિજ્ઞાન  મહાવિદ્યાલય [V P science college], ગુજરાત માં ગણીગાંઠી આઝાદી પહેલાની કોલેજો છે, એમાંની એક એટલે આ સંસ્થા, મારે વાત કરવા ની છે સ્થાનિક નેતૃત્વની આ સંસ્થા પ્રબળ સ્થાનિક નેતૃત્વ ની દૂરદર્શિતા નું પ્રતિબિંબ છે જેનું આજે પણ સફળતા પૂર્વક સંચાલન થઇ રહ્યું છે. આજે આ કોલેજ ના વિદ્યાર્થીઓ આખા વિશ્વ માં ડંકો વગાડે છે. સ્થાનિક શિક્ષકો જેમાં આચાર્યો અને વરિષ્ઠ શિક્ષકો સામેલ છે. આ લોકો વિદ્યાર્થીઓ ને ઓળખે છે, તેની નાની અમથી સમસ્યાઓ ને સમજે છે, તેની શીખવા ની ક્ષમતા ને સમજે છે. આચાર્યો તેમજ વરિષ્ઠ અધ્યાપકો ને જ્ઞાત હોવું જોઈએ કે મારા વિદ્યાર્થી ઓ ની જરૂરિયાત શું છે?

આચાર્ય માં વિશાળ હૃદય અને દ્રષ્ટિ અતિ મહત્વ ની છે. આચાર્ય એ વિદ્યાર્થી ,શિક્ષક તેમજ સંચાલક વચ્ચે સેતુ નું કામ કરવા નું છે. આચાર્ય નું મુખ્ય કામ છે વિદ્યાર્થી તેમેજ શિક્ષક ને પ્રેરણા પૂરું પાડવા નું છે. તેમજ તેજસ્વી શિક્ષક અને વિદ્યાર્થી ને ઉત્સાહિત કરી તેને જરૂરી પીઠબળ પૂરું પડવાનું છે. જરૂર પડે સંસ્થાની સિદ્ધિઓ સંચાલક મંડળ સુધી પહોચાડવાનું અને તેમાં સલગ્ન શિક્ષક અને વિદ્યાર્થી ને બિરદાવવા નું છે. આચાર્ય ની તેજસ્વીતા, જ્ઞાન અને સરકારના વખતો વખત ના નિયમો, વિવિધ સંસ્થાઓ તરફ થી મળતી સહાયક ગ્રાન્ટ્સ ની સાંપ્રત જાણકારી હમેશા શિક્ષકો અને વિદ્યાર્થીઓ ને પ્રભાવિત કરાવનારી હોવી જોઈએ, જેથી એ સંસ્થામાં સન્માન પામી શકે, ઉપરાંત જ્ઞાની અધ્યાપક ને ઉચ્ચ સ્થાન આદર સાથે આપી શકે તેટલી ખેલદિલી પણ હોવી જોઈએ. વિદ્યાર્થીઓ ને ભણાવવામાં આવતા અભ્યાસક્રમ ખરેખર ઉપયોગી છે કે કેમ તેની સતત દેખરેખ હોવી જોઈએ, અને તેને લગતું માર્ગદર્શન શિક્ષકો તેમજ વિશ્વ વિદ્યાલય ને કરવું  જોઈએ. આ બધું તો જ શક્ય બને જો આચાર્ય બહુ પ્રતિભાશાળી હોય.

અધ્યાપક એ ઉચ્ચ શિક્ષણ નું અંતિમ સોપાન છે. અધ્યાપક હંમેશા આત્મ પ્રેરિત [સેલ્ફ મોટીવેટેડ] હોવો જોઈએ, કારણ કે અધ્યાપક ને પરાણે કામ સોપી શકાય પરંતુ ગુણવત્તા ના મેળવી શકાય. વિદ્યાર્થીલક્ષી તમામ પગલા અને નીતિઓ ને વિદ્યાર્થી સુધી પહોચાડવાનું કામ અધ્યાપક નું છે. જો અધ્યાપક તેમાં સફળ ના થાય તો આખી પ્રણાલી ભાંગી પડે. ભણાવવા નો સાચો અર્થ અધ્યાપક ને ખબર હોવી જોઈએ કે, વિદ્યાર્થી ને જ્ઞાન પીરસવાનું છે, ચોપડી માં આપેલી માહિતી નહિ. જો આ બાબત માં ગડબડ થઇ તો વિદ્યાર્થી જ્ઞાની ના બદલે ગોખણીયો થઇ જશે. મારી ૨૮ વર્ષ ની કારકિર્દી માં મારી સંસ્થામાં જેટલું વિદ્યાર્થી લક્ષી તેમેજ સંસ્થાના વિકાસ માટે કાર્ય કરી શક્યો તે ભાગ્યેજ જો હું બીજી સંસ્થામાં હોત તો હું કરી શકત, કેમકે અહી નો ભવ્ય વારસો અને મારા માં મુકાયેલ અતુટ વિશ્વાસ જ મારા પ્રેરણા બળ રહ્યા. અધ્યાપક ઈચ્છે તો વિદ્યાર્થી તેમજ સંસ્થા ના વિકાસ નું નેતૃત્વ લઇ શકે, મને ખુબ ખુશી તેમજ ગર્વ છે કે મારા થકી સંસ્થાને પુષ્કળ આર્થિક સહાય તેમજ દેશભર માં મોખરા નું સન્માન મળ્યું છે. મારા વિદ્યાર્થી માટે બનાવેલ શૈક્ષણિક વિડીઓ વડે આખી દુનિયાના વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રહ્યા છે. 

આ સંસ્થા સ્થાનિક નેતૃત્વ નું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ છે અને સદાય રહેશે.

 

 

અંતે:

જો અભ્યાસ થી ચરિત્ર નું ઘડતર ના કરી શકાય, તો તે કશા કામનું નથી............મહાત્મા ગાંધી. 

 

ડૉ નિકુંજ ભટ્ટ

9825293238

drnikunjbhatt@gmail.com

www.zoologyexperiments.com  

Comments

Popular posts from this blog

Profile. Dr. Nikunj Bhanuprasad Bhatt

Why Are People Unhappy?