શિક્ષણ ક્ષેત્રે નીતિ ની આવશ્યકતા : ભાગ 1 વિદ્યાર્થીઓનું વ્યવસ્થાપન [Students' Management]
શિક્ષણ ક્ષેત્રે નીતિ ની આવશ્યકતા :
ત્રેતા અને દ્વાપર યુગ ની વાતો સૌને ગમે છે. કારણ કે રામાયણ તથા મહાભારત માં દરેક પ્રસંગે નીતિ ની વાતો હોય, રામાયણ માં જોવા મળતા અધર્મ માં પણ ક્યાંક નીતિ નો પડછાયો જોવા મળે છે , પરંતુ મહાભારત માં અધિકૃત રીતે અનીતિ જોવા મળે છે, તેથી જ્યારે પણ આપણે સગવડ અનુસાર આપણી નૈતિકતા માં ફેરફાર કરીએ છીએ ત્યારે ઉપરોક્ત મહાકાવ્યો ના ઉદાહરણ હેઠળ છટકી શકીયે છીએ.જેને કળયુગમાં વ્યવહારુ જ્ઞાન કહેવાય.અત્યારે કુટુંબ, સમાજ, સંસ્થા, સરકાર વગેરે ની પોતાની નીતિ હોય છે. તમે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે કે “ અમારા ઘરમાં તો આમ જ થાય તેમજ થાય” વગેરે. જો એક કુટુંબ માં યોજનાબદ્ધ જીવન હોય તો એક સંસ્થામાં કે સરકારમાં નીતિ નું આયોજન અતિ આવશ્યક છે.
કેન્દ્ર સરકાર દ્વારા શાળા અને ઉચ્ચ શિક્ષણ નીતિનું આયોજન હંમેશા થતું રહે છે. હાલમાં પણ નવી શિક્ષણ નીતિ અમલમાં આવી, બેશક કહેવા પૂરતી. પરંતુ આજના લેખ માં તેની ચર્ચા નહિ કરીયે. જેમ બજેટમાં ફાળવાતો રૂપિયો છેવાડા ના વ્યક્તિ સુધી નથી પહોંચતો તેમ, શિક્ષણ ની નીતિ નો અમલ પણ તમામ વિદ્યાર્થી સુધી નથી પહોંચતો. આજે હું કોઈ બાબત ની ટીકા નથી કરવાનો કે, કોણ જવાબદાર છે આ પરિસ્થિતિ માટે? પરંતુ આજે વાત કરીશું કે કઈ બાબત જરૂરી છે.વિદ્યાર્થીઓના ઘડતર માટે.
મારા ત્રીસ વર્ષ ના અનુભવે હું કહીશ કે, વિદ્યાર્થીઓના વિકાસ પાછળ જો કોઈ જવાબદાર પરિબળ હોય તો તે છે તેની શિક્ષણ સંસ્થા એટલે કે તેના વડા અને તેના શિક્ષકો. સામાન્ય રીતે શિક્ષણ સંસ્થાના વડા એટલે કે આચાર્ય. આચાર્ય હંમેશા ગુલદસ્તા જેવા એટલે કે બહુમુખી પ્રતિભા ધરાવતા હોવા જોઈએ. જેમાં શિક્ષણ, શંશોધન, વહીવટ, નાણાં, કળા, ભાષા,મિત્રતા અને નમ્રતા વગેરે જેવા ગુણધર્મો હોવા જોઈએ.તેનું કદ તમામ શિક્ષકો માં ઊંચું અને અલગ દેખાવું જોઈએ.પોતાની સંસ્થાના અને સમાજ ના વિદ્યાર્થી ની જરૂરિયાતનો તેઓ ને સુપેરે ખ્યાલ હોવો જોઈએ.જેઓની પાસે સંસ્થા સુચારુ રૂપ ચાલે તેવી નીતિ નો ભંડાર હોવો જોઈએ. અને તેનો અમલ થાય તેવી વ્યવસ્થા હોવી જોઈએ. સામાન્ય સંજોગોમાં આચાર્ય પાસે ઉપર દર્શાવેલ લક્ષણો નો સમન્વય હોતો નથી તેથી તેઓ પોતાની સંસ્થાના શિક્ષકોને માર્ગદર્શન આપવા ને બદલે તેમના પર નિર્ભર થઇ જાય છે.
વિદ્યાર્થીઓનું વ્યવસ્થાપન [Students' Management]:
શિક્ષક વર્ગ નો રાજા હોય છે. પરંતુ વર્ગનું શિસ્ત એ સંસ્થાકિય નીતિ નો ભાગ છે. અલબત્ત શિસ્ત જાળવવા માં શિક્ષક નું વિષય જ્ઞાની હોવું એ મહત્વ નું કારક છે. ભાષા ના શિક્ષકો કે અધ્યાપકો સિવાય અન્ય કોઈપણ વિષય ના અધ્યાપક ને વર્ગખંડ માં પુસ્તક ની જરૂર ન પડવી જોઈએ, સિવાય કે કોઈ સંદર્ભ દર્શાવવો હોય. આ માટે આચાર્ય ની શિષ્ટ પૂર્વકની દેખરેખ જરૂરી છે. અહીં શિક્ષક ના શિસ્ત ની પણ વાત છે જયારે શિક્ષક જ્ઞાન થી વંચિત હોય ત્યારે તે વિદ્યાર્થી પરનો પ્રભાવ ગુમાવી દે છે, ત્યારે વિદ્યાર્થીઓમાં અશિસ્ત ઉદ્દભવવા ની શક્યતા વધી જાય છે.અહીં વિદ્યાર્થી દ્વારા ઉદ્દભવતી અશિસ્ત માટે સજા ના માપદંડ નીતિ નો એક ભાગ હોવા જોઈએ. જ્યારે સાધારણ કક્ષાની સંસ્થા ઓ માં શિક્ષકે - શિક્ષકે અને વિદ્યાર્થી - વિદ્યાર્થી એ સજા ના માપદંડો બદલાય છે.ઉપરોકત બાબત ને આચાર્ય દ્વારા ગંભીરતાથી ન લેવામાં આવે તો પણ વર્ગો તો ચાલવાના જ છે, પરંતુ અવ્યવસ્થા સાથે.
આપણે હંમેશા હાર્વર્ડ , MIT , કેમ્બ્રિજ કે ઓક્સફોર્ડ ના નામ થી અંજાયેલા રહીયે છીએ. પરંતુ આપણે ક્યારેય આ યુનિવર્સિટી ઓ નું વિશ્લેષણ કર્યું નથી. આ બધી જ યુનિવર્સિટી ઓ ની મહાનતા તેમની નીતિ ઓ માં છુપાયેલી છે તથા નીતિ ઓ ના કડક અમલ માં છુપાયેલી છે. વિદ્યાર્થીલક્ષી નીતિ માં ક્યારેય બાંધછોડ થવા દેતા નથી. જ્યારે શરૂઆત માં શિક્ષકો ના સ્તર માં કોઈ ખાસ તફાવત હોતો નથી, પરંતુ સંસ્થાનું વાતાવરણ અને નીતિ ના અમલ થી જ શિક્ષકો અને વિદ્યાર્થીઓ નું ઘડતર થાય છે. ભારત માટે તો વિદ્યાર્થી નું શૈક્ષણિક શિસ્ત જાળવવા માં માનવીય તત્ત્વ ખૂબ ભાગ ભજવે છે. મોટાભાગે વિદ્યાર્થીઓ તેનો દુરુપયોગ પણ કરે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો એસાઇન્મેન્ટ આપવાની છેલ્લી તારીખ એ વિદ્યાર્થી ભાવનાત્મક રીતે એક અથવા બીજા બહાના બનાવી છૂટ મેળવી લે, આંતરિક કસોટી માં ગેરહાજર રહી પોતાના અથવા પરિવાર ની બીમારી નું બહાનું આગળ ધરી છૂટ મેળવી લે છે. LMS [એટલે કે learning management system ] વિદ્યાર્થીઓને શૈક્ષણિક બાબતો ની શિસ્ત જાળવવા માં ખુબ જ અગત્ય નો ભાગ ભજવે છે. હજી કેટલીક ખાનગી યુનિવર્સિટી સિવાય બીજી કોઈ પણ સંસ્થા કે યુનિવર્સિટી માં LMS બાબતે લગભગ ઉદાસીનતા વર્તાય છે. સંસ્થાના વડા હંમેશા tech-savvy હોવા જોઈએ.તેઓ ને LMS અંગે જાગૃતિ ખુદ ને હોવી જોઈએ અને બધા શિક્ષકો માં લાવવી જોઈએ. કારણ કે આ પ્રકારના સોફ્ટવેર વિદ્યાર્થીઓને સક્રિય અને નિયમિત બનાવે છે.
NAAC, કલા મહાકુંભ અને ખેલ મહાકુંભ ને કારણે ના છૂટકે પણ ઈતર પ્રવૃત્તિ વેગવાન બની છે. જેને કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓ જાગૃત થયા છે. નહીંતર ગુજરાત હંમેશા રમતગમત ક્ષેત્રે રાષ્ટ્રીય કક્ષાએ પણ ઝળક્યું હોય તેવું ક્યારેય સાંભળ્યું ન હતું. આચાર્ય પાસે શૈક્ષણિક ,સહ શૈક્ષણિક અને ઈતર પ્રવૃત્તિ વચ્ચે ના તાલમેલ ને જાળવવાની કળા અને ક્ષમતા બન્ને હોવી જોઈએ.
આચાર્ય એ વખતો વખત તેમના બૌધ્ધિક શિક્ષકો સાથે વિચાર વિમર્શ કરીને સંસ્થાની નીતિ નું ચિંતન કરી તેમાં સકારાત્મક ફેરફારો કરવા જોઈએ. જેથી શિક્ષકો સંસ્થાકીય નીતિ ને વફાદાર રહે જેથી ખુદ ને અને વિદ્યાર્થીઓને અનુસરવા માટે પ્રેરિત કરે.
સંસ્થા માટે સૌથી સંવેદનશીલ ઘટક હોય તો તે છે વિદ્યાર્થી ની માનસિકતા. જગવિખ્યાત માનસશાસ્ત્રી ફ્રોઈડ ના કહેવા મુજબ યુવા વર્ગ પાંચ તબક્કા માં થી પસાર થાય છે. મારા સાયકોલોજી અંગે અભ્યાસ અને મારા અનુભવ દરમ્યાન મેં જાણ્યું કે યુવા અવસ્થા ફ્રોઈડ ના પાંચ જાતીય તબક્કા ઉપરાંત એક સર્વોપરિતા નો તબક્કો હોય છે. જેમાં દરેક સ્વસ્થ યુવા પોતાની જાત ને શ્રેષ્ઠ સાબિત કરવા સારા નરસા પગલાં ઓ નો આશરો લે છે.જો શિક્ષક કે આચાર્ય આ તબક્કા ને ઓળખે અને સાચવે તો સમગ્ર કોલેજ નું યુવાધન નિશ્ચિન્ત પણે વિકાસના માર્ગે જઈ શકે.
અંતે: જટિલ નીતિ અનીતિની જનેતા છે.
ભાગ 2 માં વાત કરીશું આર્થિક બાબતો અંગે ની નીતિ
ભાગ 3 માં વાત કરીશું અભ્યાસક્રમ ની
ડૉ નિકુંજ ભટ્ટ
9825293238
English Version of this article: Please click link given below
http://abhivyaktygujarati.blogspot.com/2022/06/education-policy-requirements-part-1.html
Comments